અમરેલી શહેરના બીનાકા ચોક વિસ્તારમાં આવેલી ડીલક્ષ પાનની દુકાન પાસે એક ઘટના બની હતી જેમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્‌યા છે. વિગતવાર માહિતી મુજબ સિરાજભાઈ મહેબૂબભાઈ કુરેશી જ્યારે પોતાની દુકાને હાજર હતા ત્યારે એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સોએ વાહન ભટકાવ્યા બાદ ઠપકો આપતા ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો. આરોપીઓએ સિરાજભાઈને ઢીકાપાટુનો માર મારી એક્ટિવામાંથી છરી કાઢી જીવલેણ ઘા ઝીંક્યા હતા જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચનાથી સિટી પીઆઈ એમ.એમ. ઝાલાની ટીમે ગણતરીના કલાકોમાં દાદલીમિયા સૈયદ, ઇરફાનભાઈ સૈયદ અને અજુમિયા સૈયદ નામના ત્રણેય શખ્સોની ધરપકડ કરી ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.