આગામી ૫ જૂન, ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના અનુસંધાને અમરેલી જિલ્લામાં જનજાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમરેલી શાંતાબા મેડિકલ ઓડિટોરિયમ હોલ ખાતે પર્યાવરણ જનજાગૃતિ અન્વયે લોકડાયરો-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. નિખિલભાઈ વસાણીએ પર્યાવરણની  જાળવણીના મહત્વ પર વક્તવ્ય આપ્યું હતું અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના કારણે થતા પ્રદૂષણ અને તેના માનવ તથા પશુ આરોગ્ય પરના ખતરા અંગે જાગૃત કર્યા હતા. તેમણે નાગરિકોને સ્વયંશિસ્ત કેળવી પ્લાસ્ટિકનો ઉપયોગ કાયમી ધોરણે બંધ કરવા અપીલ કરી હતી.