અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતનાં કેસમાં કોર્ટ દ્વારા મંજૂર થયેલી વળતરની રકમ હજુ સુધી મેળવી ન હોય તેવા અરજદારોની ઓળખ પ્રક્રિયા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શરૂ કરવામાં આવી છે. ઘણા કિસ્સાઓમાં, મોટર એક્સિડેન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલ (સ્છઝ્ર્‌) દ્વારા વળતર ચૂકવવાનો હુકમ થયા પછી પણ અરજદારો કે તેમના પરિવારોએ આ રકમ પ્રાપ્ત કરવા માટેની પ્રક્રિયા કરી નથી. સુપ્રીમ કોર્ટની સુઓમોટો રીટ પીટીશનમાં અપાયેલા માર્ગદર્શન મુજબ, કુલ ૪૪૧ કેસોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલી દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઈવનો હેતુ આવા અરજદારોને શોધી કાઢી, તેમના સુધી પહોંચીને તેમને વળતરની રકમ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે સ્ટાફ અને બેલીફની જુદી જુદી ટીમો બનાવીને ઉપલબ્ધ સરનામાઓ પર નોટિસ ઇસ્યુ કરીને જાણ કરવામાં આવી રહી છે. જો કોઈ અરજદારોને મંજૂર થયેલી વળતરની રકમ હજુ સુધી મેળવવાની બાકી હોય, તો તેઓએ જાતે અથવા તેમના અધિકૃત વકીલ દ્વારા જિલ્લા અદાલત અમરેલી ખાતે નાઝીર બ્રાન્ચ, રૂમ નં. ૧૧૩ પર તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. આ બાબતે કોઈ કાયદાકીય માર્ગદર્શનની જરૂર જણાય તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત, અમરેલીનો સંપર્ક કરવા જણાવાયું છે.