બપોર બાદ અમરેલીના વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે ગુજરાત રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે અમરેલી, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્‌યો છે. આકાશમાં વરસાદી વાદળો સાથે ક્યાંક મધ્યમ તો ક્યાંક કરા સાથે ભારે વરસાદ પડ્‌યો છે. આકરી ગરમી વચ્ચે વરસાદ આવતાં લોકોને ગરમીથી રાહત મળી છે. તો બીજી તરફ ખેતીના પાકમાં નુકસાનની ભીતિને લઇ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યનાં અનેક શહેરોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવાની સંભાવના રહેલી છે. મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, દીવ, વેરાવળ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી. જે આગાહી મુજબ આજરોજ અમરેલી શહેર તથા જિલ્લામાં તીવ્ર ગતિએ પવન સાથે વાદળો ઘેરાયાં હતાં. અમરેલી શહેરમાં બપોરના સમયે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી હતી, તેમજ વાદળો ઘેરાતા ગરમી અને બળબળતી લૂથી મહદંશે લોકોને રાહત થવા પામી છે. જિલ્લાના લાઠી, સાવરકુંડલા સહિત અનેક ગામડાઓમાં વાવાઝોડા જેવા પવન સાથે હળવા છાંટા વરસ્યા હતા. તો ક્યાંક નદીઓ વહેતી થઇ હતી. આ ઉપરાંત ભારે પવન ફૂંકાતા છાપરા તથા નળિયા પણ ઊડ્‌યા હતા. અમરેલી પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. એ બાદ વરસાદ આવતાં લોકોએ ગરમીથી આંશિક રાહત મેળવી છે. તો અમરેલી શહેરમાં લગાડેલા બોર્ડ પણ હવામાં ઉડયા હતા. અમરેલી નજીક આવેલા વરસડા ગામમાં મીની વાવાઝોડા જેવા દૃશ્યો સર્જાયા હતા. ભારે પવન ફુંકાતા કેટલાક વૃક્ષો ધરાશાયી થયા હતા અને શુભ પ્રસંગ અર્થે બાંધેલો મંડપ ઉડ્‌યો હતો.

વાવાઝોડાને કારણે બાગાયતી પાકને ભારે નુકસાન
અમરેલી, લાઠી, સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા બાગાયત ખેતી આંબા, ચીકુ, લીંબુ સહિતનાં ફળફળાદિને વ્યાપક નુકસાન થવાની ભીતિ પ્રબળ બની રહી છે. વાતાવરણના અણધાર્યા પલટાને કારણે ખેડૂતોની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી લોકો આકરા તાપ અને ગરમ લૂથી પરેશાન થયા હોય આ વાતાવરણના પલટાને કારણે થોડી-ઘણી રાહત થવા પામી છે. કમોસમી વરસાદ પડવાથી કેરીના તૈયાર પાકને નુકસાની થવાની શકયતા દેખાઈ રહી છે. અમરેલી તાલુકાના ફતેપુર ગામે ભારે વરસાદને કારણે પાદરમાં આવેલા બેઠા નાળા પર પુર આવ્યું હતું

લાઠીના મતીરાળા ગામે વરસાદ સાથે કરા પડયા
અમરેલી સહિત લાઠી પંથકમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. લાઠી તાલુકાના મતીરાળા ગામે બપોરના સમયે ધોધમાર વરસાદની સાથે કરા પડયા હતા તેમજ અમુક ઘરોના પતરા ઉડયા હોવાની પણ માહિતી મળી છે.

અમરેલીમાં પતરા, મંડપ, બોર્ડ ઉડયા
હવામાન વિભાગ દ્વારા અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમરેલીમાં તો બપોરના ચાર વાગ્યાની આસપાસ ભારે પવન સાથે વરસાદ પડયો હતો. ભારે પવનને કારણે રસ્તા પરના વૃક્ષો ધરાશાયી થયા હતા તો દુકાન-મકાનના પતરા પણ હવામાં ઉડયા હતા. ધાર્મિક પ્રસંગે લગાડવામાં આવેલા મંડપ પણ હવામાં ઉડયા હતા. જેના કારણે મંડપના માલિકોને ભારે નુકસાન થયુ હતું. શહેરમાં લગાવવામાં આવેલા બોર્ડ પણ હવામાં ઉડી રસ્તા પર આવી ગયા હતા. જા કે વાવાઝોડામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

અમરેલીમાં એક ઈંચ વરસાદ નોંધાયો
અમરેલીમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. સતત બે કલાક સુધી વરસાદ વરસતા અમરેલી પંથકમાં નદી-નાળા છલકાઈ ગયા હતા અને વોકળામાં પૂર આવ્યું હતું. બે કલાક વરસાદ વરસતા અમરેલીમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે જયારે અન્ય તાલુકામાં જારદાર વરસાદી ઝાપટા વરસ્યા હતા.

વૃક્ષો ધરાશાયી થયાની ઘટનાઓ
અમરેલી સહિત જિલ્લાના લાઠી, સાવરકુંડલા, બગસરા, વડિયા સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાહનચાલકોને સલામત સ્થળે ઉભા રહેવાની ફરજ પડી હતી. ભારે પવનને કારણે ગાવડકા ચોકડી અને સિધ્ધિ વિનાયક સોસાયટીમાં લીમડાના ઝાડ પડવાની ઘટનાઓ બની હતી. જા કે વૃક્ષ પડવાથી કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

ભારે પવનને કારણે વીજપોલ ધરાશાયી
અમરેલી પંથકમાં ભારે પવન સાથે વરસાદ થતા ચિત્તલ પાસે પાંચ જેટલા વીજપોલ ધરાશાયી થયા છે. આ અંગે કાર્યપાલક ઈજનેર પી.એમ.ગોરાણીયાએ જણાવ્યું હતું કે, અમરેલી શહેરમાં પણ ઝાડની ડાળીઓ પડતા વીજવાયર તુટવાના બનાવો બનવા પામ્યા છે. જા કે સમગ્ર શહેરમાં વીજપુરવઠો કાર્યરત થાય તે માટે ૬ વીજ ટીમને કામે લગાડવામાં આવી છે. તેમજ તમામ વીજ કર્મચારીઓને કામે લગાડી જેમ બને તેમ જલદીથી વીજપુરવઠો શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

ગુજરાતમાં ૧૬ મે સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી બાદ આગામી બે દિવસ બાદ રાજ્યભરમાં તાપમાનનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરી છે. ૧૬ મે સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. અમદાવાદમાં પણ આગામી ૨૪ કલાક બાદ આવતીકાલે કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસી શકે છે. ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થયા બાદ ફરી એક વખત તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી જેટલો વધીને ૪૪ ડિગ્રી સેલ્સિયસ પહોંચવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

અમરેલીના ઈશ્વરીયામાં વીજળી પડવાથી ૩૦ ઘેંટાના મોત
અમરેલીના ઈશ્વરીયા ગામે વરસાદ સાથે વીજળી પડવાથી ૩૦ ઘેંટાના મોત થવાની ઘટના બની છે, જેના કારણે પશુપાલકને મોટું નુકસાન થવા પામ્યુ છે. મંગાભાઈ આલાભાઈ નામના ભરવાડના આ ઘેંટા હોવાની માહિતી મળી છે. વીજળી પડવાના કારણે ઘડીભર તો નાસભાગ મચી ગઈ હતી અને લોકો ભયભીત બની ગયા હતા.