અમરેલી કોર્ટમાં એક કેસની મુદત દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી. વકીલ દિનેશભાઈ ગીગાભાઈ ગોહીલ જ્યારે પોતાના કેસ માટે કોર્ટમાં હાજર હતા, ત્યારે આરોપી રવીભાઈ ભરતભાઈ જોષીએ તેમની સાથે બોલાચાલી કરી હતી. આ વિવાદનું મૂળ એક પ્રોહિબિશન કેસમાં ટ્રક છોડાવવાની અરજી હતી. આરોપીએ ફરિયાદીને આ મામલે દખલ ન કરવા અને તેનાથી દૂર રહેવા જણાવ્યું હતું. જ્યારે ફરિયાદીએ પોતાની ફોરવ્હીલ વિશે વાત કરી, ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો અને કોર્ટ પરિસરમાં જ તેમની સાથે ગેરવર્તન અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. બોલાચાલી બાદ ફરિયાદી કોર્ટની બહાર ચાની કેન્ટિન પાસે પહોંચ્યા, ત્યારે આરોપી ફરી ત્યાં આવ્યો. તેણે જાહેરમાં લોકોની હાજરીમાં ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી.આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.