અમરેલીમાં સ્કીમના નામે આંબા પીપળી બતાવી લોકોને છેતરવાની વધુ એક ઘટના સામે આવી છે. શહેરમાં રહેતા એક ૮૧ વર્ષીય વૃદ્ધ સાથે ૫૫ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ બનાવ અંગે મનજીભાઇ ભીમજીભાઇ તળાવીયા (ઉ.વ.૮૧)એ અમદાવાદના નરોડામાં રહેતા અતુલકુમારસિંહ સાહબદયાલસિંગ રાજપુત, હેમંતભાઇ ઘનશ્યામભાઇ જોષી તથા ઘનશ્યામભાઇ ભાઇશંકરભાઇ જોષી સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, ૩૧/૦૩/૨૦૧૫ થી આજદીન સુધી આરોપીઓ એકસંપ થઇ તેમને લોભામણી અને છેતરામણીની સ્કિમો બતાવી છળકપટ, છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરીને જમીનના નાણા તેમજ અન્ય મુડીના નાણા મળી ૫૫,૦૦,૦૦૦ ઓળવી જવાના ઇરાદે યુવાનિધિ
કંપનીમાં રોકાવ્યા હતા. જે બાદ આ રોકાણ પાકતી મુદતે પરત કર્યા નહોતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર પી.વી.પલાસ વધુ તપાસ કરી
રહ્યા છે.