અમરેલીમાં નગરપાલિકાની સુસ્ત કામગીરી સામે વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. આ સ્થિતિમાં વિવિધ ફરિયાદોનું નિરાકરણ થાય તે માટે પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર આજે સવારે અગિયાર વાગ્યા બાદ નગરપાલિકાનાં ચીફ ઓફિસરને મળવા માટે કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ ઘણી રાહ જોયા બાદ ચીફ ઓફિસર નહીં આવતા માજી સાંસદ અને કોંગી કાર્યકર્તાઓ ત્યાં જમીન પર ધરણા પર બેસી ગયા હતા. આ દરમિયાન તેમણે અમરેલી કલેકટર, ચીફ ઓફિસર અને મીડિયાને આ બાબતની જાણ કરી હતી. આ મામલો ગરમાતા નગરપાલિકા પ્રમુખ બિપિન લીંબાણી નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા. તેમણે માજી સાંસદને લોકોની સમસ્યાઓ અંગે ચર્ચા કરી ઘટતું કરવાની ખાતરી આપી હતી.