અમરેલીમાં ધારીના ખીસરી ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીંયા લગ્ન પ્રસંગ ચાલુ હતો અને ભારે હોબાળો થઈ ગયો હતો. જમણવારમાં મારામારી થઈ હોવાનો આ બનાવ જિલ્લામાં હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.જાનૈયા અને માંડવિયા વચ્ચે આ ધીંગાણું સર્જાયું હતું. અમરેલીના ચક્કરગઢ ગામેથી જાન આવી હતી. સાંભળીને તમને નવાઈ લાગશે કે જમણવારમાં રોટલી આપવા બાબતે રકઝક થઈ હતી. જેમાં આમને સામને લાકડી અને પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
રોટલી પીરસવા જેવી નજીવી બાબતે વાત એટલી આગળ વધી ગઈ કે મહેમાનો ઉશ્કેરાઈ ગયા અને બે પક્ષના લોકો આમને સામને આવી ગયા હતા. કોઈના હાથમાં ડંડા તો કોઈના હાથમાં ઝાડની મોટી ડાળીઓ હતી અને આમને સામને તેઓ એકબીજાને મારી રહ્યા હતા.બંને પક્ષના લોકોમાં ભારે રોષનો માહોલ જાવા મળ્યો હતો. બંને પક્ષના લોકો એકબીજાને મારવા માટે મંડપથી લઈને ગામના ચોક સુધી પહોંચી ગયા હતા. લગ્નનો માહોલ સાઈડમાં રહ્યો અને લોકો એકબીજાને જાણે મારવા માટે ભેગા થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
આ મારામારીની ઘટનામાં કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેવું પણ સામે આવ્યું છે. બંને પક્ષના લોકોને ઈજા પહોંચી છે. જેમાં કુલ ૧૫ લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ૨ લોકોની તબિયત વધારે બગડતા તેમને અમરેલીમાં રિફર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ઘટનાની જાણ થતા જ ધારી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે આ સમગ્ર મામલે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. જાકે આ બનાવ હાલ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.








































