અમરેલીમાં પોલીસે જે ટ્રકને રેતી ચોરીમાં પકડયા છે અને જે ટ્રકો પોલીસ મથકોમાં પડયા છે તે ટ્રકના પણ રોયલ્ટીના પાસ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની પોલીસ અને ખાણ ખનીજ વિભાગમાં રજુઆત થતા તંત્રની ઉંઘ હરામ થઇ છે. અમરેલીના રમેશભાઇ ધાનાણીએ આ અંગે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્રને લેખિતમાં ફરિયાદ કરી હતી. સાવરકુંડલા તાલુકાના સીમરણની સીમમા શેલ નદીમાંથી મોટા પ્રમાણમા રેતી ભરવામા આવે છે. જે પરમીટ ધારકો પાસે રેતી નથી તેના ખોટા પાસથી દિવસ રાત ડમ્પરો ચલાવવામા આવે છે. અમરેલી તાલુકા પોલીસે ઘણા સમય પહેલા જીજે ૦૪ યુ ૯૮૫૫ અને જીજે ૧૬ એકસ ૬૯૩૭ નામના ડમ્પરને રેતીચોરીમા ઝડપ્યા હતા. હાલમા પણ બંને ડમ્પર પોલીસના કબજામા છે. રાજસ્થળીની પેઢીએ તારીખ ૬ અને ૭ના રોજ પોલીસના કબજામા રહેલા આ ડમ્પરોના રોયલ્ટી પાસ કાઢી આપ્યા હતા. આમ સ્ટોક લાયસન્સના નામે અહી ખુલ્લેઆમ ગેરરીતિ કરવામા આવી રહી છે.