અમરેલીમાં છેતરપિંડીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સમયમાં વિશ્વાસ કર્યા બાદ વિશ્વાસઘાત કરવામાં આવતો હોવાથી લોકોને નાછૂટકે ન્યાય મેળવવા માટે પોલીસનો સહારો લેવો પડે છે. તાજેતરમાં એક પેટ્રોલપંપના સંચાલકે લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની ઘટના તાજી છે તો બીલખાની એક મહિલાએ પણ આ સંચાલક સામે જ સોનું ઓળવી જઈ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે ત્યારે ફરી એકવાર પેટ્રોલપંપના સંચાલકે હવે એક જ્વેલર્સર્ની દુકાન ધરાવતા સંચાલકને વિશ્વાસમાં લઈ સોનું મેળવી રૂ.૭૮ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. અમરેલીના કેરીયા રોડ પર રહેતા અને શ્રી જ્વેલર્સની દુકાન ધરાવતા ફરિયાદી મનીષભાઈ ભીમજીભાઈ ભાલુએ ફરિયાદ નોંધાવી છે કે, અમરેલીમાં રહેતા રમેશ વશરામ ગોહિલ અને કિરણ જેરામભાઈ સાવલીયા અલગ-અલગ તારીખે દુકાનેથી સોનાના દાગીના લઈ જઈ ત્રણ મહિનામાં નાણા ચુકવી આપવામાં આવશે તેવી શરતે બાકી ખરીદી કરી હતી અને સોનાના દાગીના લઈ ગયા હતા. જો કે સમયમર્યાદામાં ખોટા બહાના બતાવી નાણા નહી આપી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી. તેથી મનીષભાઈએ કિરણબેન અને રમેશ વશરામ ગોહિલ સામે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.








































