અમરેલીમાં રૂ. ૧૦૩૦ લાખના ખર્ચે થનાર વિકાસ કાર્યોનો આજે પ્રભારી મંત્રી આર.સી. મકવાણાની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ તકે દિલીપભાઇ સંઘાણી, ધનસુખભાઇ ભંડેરી, સાંસદ નારણભાઇ કાછડીયા સહિતનાઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, વર્ષો પહેલા એવો જમાનો હતો કે ઓક્ટ્રોય અને અન્ય આવક મેળવી પાલિકા પોતાના કર્મીઓને પગાર કરતી હતી. પરંતુ હવે એ જમાનો છે કે, કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને અને રાજ્ય સરકાર તરફથી પાલિકાઓને વિકાસ કાર્યો કરવા માટે ગ્રાન્ટનો ધોધ વહે છે.
દિલીપભાઇ સંઘાણીએ પાલિકાના પ્રમુખ અને ટીમને અભિનંદન પાઠવી સારૂં કાર્ય કરવા શુભેચ્છા પાઠવી હતી. મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ વિકાસ કાર્યો સમયમર્યાદામાં સારી ગુણવત્તાવાળા બને એ દિશામાં ચકાસણી કરવા પાલિકાના અધિકારીઓને સૂચના આપી હતી.
આ કાર્યક્રમમાં કૌશિક વેકરીયા, પાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી, ઉપપ્રમુખ રમાબેન મહેતા સહિત પાલિકાના સદસ્યો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.