અમરેલીમાં એક રિક્ષા ચાલકને નજીવી બાબતે માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બે દિવસના ગાળામાં બની હતી, જેમાં આરોપીએ બીજી વખત રિક્ષા ચાલક પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. અરમાનભાઈ રહીમભાઈ પરમાર (ઉ.વ.૧૯) એ રિઝવાન કસીરી ઉર્ફે બાડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ઘટનાનો પ્રથમ બનાવ તા. ૦૨/૧૧/૨૦૨૫ ની વહેલી સવારે બન્યો હતો. તેઓ તેમની રિક્ષા લઈને માર્કેટ યાર્ડમાં ફેરા કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન આરોપી માર્કેટ યાર્ડના પહેલા ગેટ પાછળના ભાગમાં આવેલ શૌચાલય પાસે તેમની રિક્ષા લઈને આવ્યો હતો. આરોપીએ તેમને, ‘રિક્ષા કેમ સીધી ચલાવતો નથી?’ આટલું કહીને તેમને બે જાપટ મારી દીધી હતી. ઘટનાનો બીજો બનાવ બીજા દિવસે તા. ૦૩/૧૧/૨૦૨૫ ના રોજ બન્યો હતો. જે મુજબ તેઓ તેમના સાહેદ પરવેઝ સાથે રેડકોર્નર અક્ષર રેસ્ટોરન્ટ પાસે જઈ રહ્યા હતા ત્યારે આરોપી ફરી એકવાર તેમની પાસે આવ્યો અને તેમને અશ્લીલ ગાળો આપીને કહ્યું કે, ‘તને કોની હવા છે?’ ત્યાર બાદ આરોપીએ પોતાની પાસે રહેલી લોખંડની પાઇપ વડે ફરિયાદીના બંને પગ અને વાંસાના ભાગે માર માર્યો, જેના કારણે મુંઢ ઇજાઓ થઈ હતી. હુમલો કર્યા બાદ આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.વી. આસોદરીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































