અમરેલીમાં ગંભીર બીમારીઓની સારવાર આપતી હોસ્થિટલનો અભાવ છે અને દર્દીઓને ગંભીર બીમારીઓ વખતે રાજકોટ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં સારવાર અર્થે જવું પડે છે. જે માટે ખૂબ જ ખર્ચાઓ થાય છે. અમરેલીના લોકોની આરોગ્યની સુખાકારીમાં વધારો થાય તે માટે બિમ્સ આસ્થા હોસ્પિટલનું અમરેલીમાં આગામી તા. ર૩ને રવિવારના રોજ નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ નારણભાઈ કાછડીયાની ઉપસ્થિતિમાં શુભ ઉદ્‌ઘાટન થશે. નવી બનતી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં અત્યાધુનિક કાર્ડિયોલોજી વિભાગ, મેડિસીન વિભાગ, ક્રીટીકલ કેર વિભાગ, ટ્રોમા ફેકચર વિભાગ, ડાયાલીસીસ અને કીડનીના રોગોનો વિભાગ, જાઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ, મગજના જ્ઞાનતંતુનો વિભાગ, ફેફસાના રોગોનો વિભાગ, પેથોલોજી વિભાગ, એડવાન્સ લેપ્રોસ્કોપી અને ગેસ્ટ્રોલોજી વિભાગ, કોરલ તથા ફેસીયોમેક્સીલરી સહિતના વિભાગો શરૂ થશે. અમરેલી શહેરના મધ્યમાં અતિ આધુનિક પ૦ બેડ ધરાવતી મલ્ટી સ્પે. હોસ્પિટલ શરૂ થવાથી જિલ્લાના લોકોને બહારના સેન્ટરો પર સારવાર માટે જવું નહી પડે તેમ આજ પત્રકારો સાથે વાત કરતાં મેડિકલ ડાયરેક્ટર ડો. અશોક પરમારે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉ આસ્થા હોસ્પિટલના નામથી અમરેલીમાં દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી પરંતુ જીલ્લાના દર્દીઓને વધુ સારી સારવાર મળી રહે તે માટે ટેકનોલોજી અને મશીનરીમાં સુધારો કરીને બિમ્સ આસ્થા હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં જાઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી વિભાગને સરકાર દ્વારા સંપૂર્ણપણે મંજૂરી મળેલ છે અને જિલ્લાની એક માત્ર આ હોસ્પિટલમાં સરકારી કાર્ડમાં ઓપરેશન થઈ શકશે. વૈજ્ઞાનિક સિધ્ધાંત અને કિફાયતી સ્વાસ્થ્ય સેવાઓ માટે સુલભ એરિયામાં આ હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજી સાથેની ગુણવત્તાસભર સેવાઓ અન્ય સેન્ટર કરતાં ઓછા ખર્ચે સારવાર મળી શકશે.