અમરેલી શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મોડી રાત્રે યુવતીને ભગાડી જવાના મુદ્દે થયેલા હુમલામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી રાજુભાઈ કૈલાશભાઈ ભાભરે આરોપી સંતોષ ભાયદીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પાડોશમાં રહેતા વ્યક્તિની પુત્રીને ભગાડી જવાના મામલે આરોપી સંતોષે ફરિયાદી રાજુભાઈ અને તેમના ભાઈ ટીકુ કૈલાશભાઈ ભાભર સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન સંતોષે ઉશ્કેરાઈને બંને પર હુમલો કર્યો, જેમાં ટીકુ ભાભરને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે ગુનો નોંધી આરોપી સંતોષ ભાયદીયાની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.









































