સમાજમાં લગ્ન બાદ ઘણા દંપતી સંતાનોના જન્મ બાદ અણબનાવ થતાં છૂટાછેડા લેતા હોય છે, અમુક દંપતી અલગ-અલગ રહીને બાળકોનો ઉછેર કરે છે. અમરેલીમાં એક દંપતી છેલ્લા ત્રણેક વર્ષથી દીકરીઓને ઉછેરતું હતું. થોડા દિવસથી તેમની દીકરી પિતા પાસે રહેવા આવી હતી. આ દરમિયાન એક યુવક તેને ખોટી રીતે હેરાન કરીને ગાળો આપતો હતો. ઉપરાંત છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને લઈ સુરેશભાઈ નાનજીભાઈ વાઘેલા (ઉ.વ.૪૩)એ સાવરકુંડલામાં રહેતા વિશાલભાઈ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવની પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, સુરેશભાઈ તથા તેમના પત્ની છેલ્લા અઢી-ત્રણ વર્ષથી અલગ રહેતા હતા. તેમની બંને દીકરીઓ એક મહિનાથી તેમની સાથે રહેતી હતી. જે પૈકીની એક દીકરીને આરોપી ખોટી રીતે હેરાન કરીને ગાળો આપતો હતો. ત્રણ દિવસ પહેલા બપોરે બે વાગ્યાની આસપાસ ઠેબી ડેમના પાળા પાસે આરોપીએ તેમની દીકરીને બે ઝાપટ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ કે.બી.ભરાડ વધુ તપાસ કરી રહ્યા છે.