આપણા દેશમાં ઇ-સિગારેટ ભલે બંધ થઈ ગઈ હોય તેમ છતાં હજી પણ ઘણા યંગસ્ટર્સમાં ઇ-સિગારેટનો ક્રેઝ જોવા મળે છે. ઇ-સિગારેટથી સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે તે અંગે કોઈ અજાણ નથી. ત્યારે ઇ-સિગારેટને લઇને એક નવું સંશોધન થયું છે. જેમાં જાણવા મળ્યું છે કે ઇ-સિગારેટ પીવાથી ફેફસાંના રોગ થવાનું જોખમ ૨૯% વધે છે. આ સંશોધનનું કહેવું છે કે, જે લોકો ઈ-સિગારેટનું સેવન કરતા હોય તેમને તમાકુ ન ખાતા લોકોની તુલનામાં અસ્થમા, બ્રોન્કાઇટિસ અને ફેફસાંના ચેપનું જોખમ વધી જાય છે. આ રિસર્ચ માટે વૈજ્ઞાનિકોએ છેલ્લાં ત્રણ વર્ષમાં ૩૨,૦૦૦ લોકોનું વિશ્લેષણ કર્યું. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ઇ-સિગારેટ પીનારા લોકોને શ્વાસ સંબંધિત રોગ થવાનું જોખમ વધારે રહે છે. ઇ-સિગારેટ દ્વારા તમાકુના સેવનથી નિકોટીન લેવામાં આવે છે. જેના કારણે વિશ્વભરના અનેક લોકોમાં ઇ-સિગારેટ પીવાનું ચલણ વધ્યું છે. આ રિસર્ચ અમેરિકન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ સંશોધન સાથે સંકળાયેલા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસર સ્ટેન્ટન ગ્લેન્ટ્‌ઝનું કહેવું છે કે, આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઈ-સિગારેટ પીવાથી ફેફસાંના રોગ થવાનું જોખમ વધે છે. એ વાતથી કોઈ ફરક નથી પડતો કે તમે તમાકુનું સેવન કરો છો કે નહીં, જો તમે ઇ-સિગારેટ પીતા હો તો તમને ફેફસાંના રોગ થઈ શકે છે. સંશોધકોનું કહેવું છે કે, ઈ-સિગારેટ ખૂબ નુકસાનકારક હોય છે. તેની અસર પરંપરાગત તમાકુના વપરાશ અને ધૂમ્રપાન કરતા લોકો પર અલગ પડે છે. આ સંશોધન માટે સંશોધકોએ અમેરિકન લોકોનો ડેટા એકત્રિત કર્યો હતો. આ સંશોધનમાં એવા લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમણે ક્યારેય ઇ-સિગારેટ પીધી નથી અને જેઓ ઇ-સિગારેટ પીવે છે. રિસર્ચ બાદ એવું તારણ નીકળ્યું કે, ઇ-સિગારેટ પીતા લોકોમાં ફેફસાંના રોગ થવાનું જોખમ ૨૯% વધારે રહે છે. જો કે અમરેલી શહેરની વાત કરીએ તો શહેર પણ હવે પશ્વિમ સંસ્કૃતિના રંગમાં રંગાયેલુ જોવા મળી રહ્યું છે. શહેરમાં યુવાનોમાં સિગારેટ પીવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે હવે યુવતીઓ પણ યુવાનોની સમોવડી બની હોય તેમ સિગારેટ પીતી નજરે પડી રહી છે. અમરેલી શહેર શિક્ષણ માટે અગ્રેસર હોવાથી મેડિકલ, એÂન્જનિયરીંગ સહિતનો અભ્યાસ કરવા રાજ્યના દરેક શહેરમાંથી યુવતીઓ આવે છે પરંતુ આ યુવતીઓને પરિવારની કોઈ શેહશરમ ન હોય તેમ જાહેરમાં ધુમ્રપાન કરતા પણ અચકાતી નથી. રાજયના મેટ્રો શહેરોમાં યુવતીઓમાં સિગારેટ પીવાનું પ્રમાણ વધુ જોવા મળતું હતું ત્યારે હવે અમરેલી જેવા શહેરોમાં પણ યુવતીઓ બેરોકટોક સિગારેટના દમ મારી રહી છે. જો દેશનું યુવાધન આ રીતે નશામાં ઓતપ્રોત થઈ જશે તો ભવિષ્યની યુવાપેઢી ખોખલી થઈ જશે. જેથી આ યુવાપેઢીને બચાવવા માટે છાશવારે ધુમ્રપાન વિરોધી ડ્રાઈવ યોજવી જાઈએ તેવું બુધ્ધિજીવી વર્ગ જણાવી રહ્યો છે.

 

મોટાભાગે બહારગામથી અભ્યાસ અર્થે આવતી યુવતીઓ
સિગારેટના દમ મારતી હોવાની ચર્ચા

ધુમ્રપાનની ટેવ વાલીઓ માટે લાલબત્તી સમાન

અમરેલી શહેરમાં જિલ્લામાંથી પણ ઘણી યુવતીઓ અભ્યાસ અર્થે આવે છે. માતા-પિતા યુવતીઓએ ઉચ્ચ અભ્યાસ માટે મોકલી તેમના પરિવારનું નામ રોશન થાય તેવી આશા સેવતા હોય છે. પરંતું વિદ્યાર્થિનીઓ માતા-પિતાના સપનાઓ પર પાણી ફેરવતી હોય તેમ બિન્દાસ્ત જાહેરમાં ધુમ્રપાન કરતી નજરે પડે છે. ધુમ્રપાન દરેક માટે હાનિકારક છે. આમ છતાં યુવતીઓ જાહેરમાં ધુમાડા કાઢી માભો કરતી નજરે પડે છે.

ચાના ઢાબા, હોટલ, બગીચા સહિતના સ્થળો હોટ ફેવરીટ

અમરેલી શહેરમાં રાત પડતા જ યુવતીઓ પોતાના ગૃપ સાથે જાણે લોંગ ડ્રાઈવમાં નીકળી હોય તેમ હાઈ-વે પર ચાની હોટલ કે ખાણી-પીણીની જગ્યાએ પોતાના ગૃપ સાથે બિન્દાસ્ત સિગારેટ પીતી જાવા મળે છે. ખાસ કરીને ભદ્ર સમાજની યુવતીઓ પણ આ દુષણમાંથી બાકાત નથી. યુવાનો સાથે યુવતીઓ પણ ગૃપમાં સિગારેટ પીતી હોવાનું સામે આવ્યું છે.

યુવતીઓ ડ્રગ્સના રવાડે ચડે નહી તે માટે કાર્યવાહીની જરૂર

અમરેલીમાં યુવતીઓ જાહેરમાં ધુમ્રપાન કરતી હોવાનું હવે સામાન્ય બની ગયુ છે ત્યારે આ યુવાધનને બચાવવા માટે હવે સામાજિક સંસ્થા, ટોબેકો ફોર્સની ટીમ તેમજ પોલીસ પેટ્રોલીંગ કડક કરી ધુમ્રપાન કરતા યુવાધનને રોકવાની કામગીરી તાત્કાલિક કરવાની જરૂર છે. જા આ કામગીરીને રોકવામાં નહી આવે તો આગામી સમયમાં યુવતીઓમાં ડ્રગ્સનું પ્રમાણ વધે તો નવાઈ નહી. તે માટે આ દુષણને ડામવા તંત્ર દ્વારા નક્કર
કામગીરીની જરૂર છે.

૧૮ વર્ષની વય નીચેનાને તમાકુનું વેચાણ કરવું ગુનો

દેશમાં ધુમ્રપાન કરનારાઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે જેથી સરકાર દ્વારા ૧૮ વર્ષથી નીચેની વયના લોકો એટલે સગીરોને તમાકુનું વેચાણ કરવુ ગુનો બને છે. આ કાયદો સમગ્ર દેશમાં અમલી બન્યો છે પરંતુ અમરેલી શહેરમાં આ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે. તંત્રની ઢીલી નીતિને કારણે પાન-મસાલાની દુકાને સગીર યુવક-યુવતીઓને બિન્દાસ્ત સિગારેટ આપવામાં આવી રહી છે. શહેરમાં કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યુ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કડક કામગીરી કરવામાં આવતી નથી.

દેશમાં દર વર્ષે ૧૦ લાખ લોકો સિગારેટથી મૃત્યુ પામે છે

સરકારનું કહેવું છે કે ભારતમાં દર વર્ષે ૧૦ લાખ લોકો સિગારેટ પીવાના કારણે મૃત્યુ પામે છે.ગ્લોબલ એડલ્ટ ટાબેકો સર્વે (૨૦૧૬-૧૭) અનુસાર ભારતમાં સિગારેટ પીનારાની સંખ્યા ૧૦ કરોડથી વધુની છે. આ આંકડાને ધ્યાનમાં લઈને ભારત સરકાર દ્વારા પહેલી સપ્ટેમ્બરથી સિગારેટના પૅકેટ પર હેલ્પલાઇનનો નંબર પણ આપવામાં આવ્યો છે. પરંતુ સિગારેટ લેતી કે પીતી વખતે યુવક-યુવતીઓ આ સૂચના પર ધ્યાન આપતા નથી.

વાલીઓએ સંતાનોની આકસ્મિક મુલાકાત લેવી જોઈએ

અમરેલી શહેરમાં જે રીતે યુવક અને યુવતીઓમાં સિગારેટ પીવાનું પ્રમાણ વધવા પામ્યુ છે તે જોતા આગામી સમયમાં યુવતીઓ સિગારેટ પીવામાં યુવકોથી આગળ નીકળી જાય તો નવાઈ નહી. અભ્યાસ અર્થે અમરેલી આવતી યુવતીઓ અભ્યાસની સાથે કઈ પ્રવૃત્તિ કરી રહી છે તેની તપાસ કરવાની જવાબદારીઓ વાલીઓની છે. વાલીઓનો ડર રાખ્યા વગર યુવતીઓ જાહેરમાં ધુમ્રપાન કરતી હોવાથી વાલીઓએ આકસ્મિક મુલાકાત લઈ આવા દુષણમાંથી યુવાધનનો છુટકારો થાય તેવી કાર્યવાહી કરવી જોઈએ.