અમરેલીમાં એક યુવકને જંગલી કહી, ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે મૂળ નર્મદા જિલ્લાના સાગબાર તાલુકાના પાડી ગામના અને હાલ અમરેલીમાં રહેતા શૈલેષભાઈ ટેડગ્યાભાઈ વસાવા (ઉ.વ.૩૨)એ કાબો જગાભાઇ પરમાર, જીતુ જગાભાઇ પરમાર, ભટ્ટી જગાભાઇ પરમાર, જગાભાઇ વેલશીભાઇ પરમાર, ગોવિંદભાઇ વેલશીભાઇ પરમાર, સંજય ગોવિંદભાઇ પરમાર,) બદરૂ વલ્લભભાઇ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી કાબા પરમારે તેમને તથા સાહેદને રસ્તામાં રોકી તેમની સાયકલના આગળના ભાગે લોખંડના પાઇપ ના બે ઘા મારી નુકસાન કરી જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો. જેથી તેની પત્ની તથા સાહેદો સમજાવવા જતા આરોપીએ તેની પત્નીને પેટના ભાગે પાટા માર્યા હતા. આ ઉપરાંત તમામ આરોપીએ ભેગા થઈ હાથમાં પથ્થરો લઇ આવી ગેરકાયદે મંડળી રચી એકસંપ કરી તેમનો સમાન ઇરાદો પાર પાડવા ઢીકાપાટુનો મુંઢ માર મારી ગાળો આપી હતી. ઉપરાંત આદીવાસી, જંગલી કહી હડધુત કર્યા હતા. સાહેદ સરસ્વતીબેનને જાનથી મારી નાખવાના ઇરાદે ગળુ દબાવી એક સ્ત્રીનો મલાજો નહીં જાળવી વાળ પકડી બે વખત મોઢુ જમીન પર પછાડી દઇ મોઢાનો દાંત પાડી ઇજા કરી હતી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અમરેલી વિભાગના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ.જી.ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.