સમગ્ર દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને ગુજરાતમાં હવે મતદાનને આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસનાં ઉમેદવાર જેનીબેન ઠુંમ્મર દ્વારા વડિયામાં પોતાના કાર્યાલય સામે ચૂંટણી પ્રચાર માટેની સભા યોજવામાં આવી હતી. આ સભામાં જેનીબેન ઠુમ્મરનાં આગમન સમયે દીકરીઓએ ઢોલ સાથે સામૈયા કરી અને કુમકુમ તિલક કરી અને વડીલ મહિલાઓએ ગળે મળી સ્વાગત કર્યું હતુ. ત્યાર બાદ વડિયા સ્થિત કાર્યાલય સામે ચૂંટણી સભા યોજાઈ હતી. આ સભામાં જેનીબેન ઠુંમ્મરે કુંકાવાવ તાલુકાની દીકરીને મજબૂત બનાવવા નારી સશક્તિકરણની વાતો કરતી સરકાર સામે અમરેલીની શિક્ષિત દીકરીને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી. આ સાથે સરકાર સામે શિક્ષણ, મોંઘવારી, બેરોજગારી અને અમરેલીને પછાત રાખવા બાબતે અનેક પ્રહારો કર્યા હતા. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી છે જેથી આજે અમરેલી સહિત રાજયમાં સાંજથી જાહેરસભાઓ, પ્રચાર પડઘમ શાંત થઈ જાશે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે સાવરકુંડલા ખાતે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતુ કે ભુરખીયા, તુલસીશ્યામ, ધારી સહિતના પ્રવાસન સ્થળોએ ફોરલેન રોડ સહિત રેડીયોના શોખીનો માટે વિવિધ ભારતી રેડીયો ચેનલ ફરી શરૂ કરવી અમારી પ્રાથમિકતા રહેશે. સમગ્ર સભામાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ અને લોકો હાજર રહ્યાં હતાં.

અમરેલીમાં મુકુલ વાસનિકે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો
અમરેલી ખાતે કોંગ્રેસના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિક દ્વારા રાજકમલ ચોકમાં જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં મુકુલ વાસનિકે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે, ગેસના બાટલા, પેટ્રોલ સહિતની મોંઘવારીએ સામાન્ય વર્ગની કમર તોડી નાખી છે. ભાજપ માત્ર રામ મંદિરના નામ પર વોટ માંગવા નીકળી છે પરંતુ જયારે અમરેલી જિલ્લામાં આવ્યો ત્યારે જાયું જિલ્લામાં કોઈ વિકાસ થયો નથી. કોંગ્રેસે શિક્ષિત મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે ત્યારે જિલ્લાના વિકાસ માટે જેની ઠુમ્મરને વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો.