અમરેલીમાં માતાજીના માંડવામાં આવેલી અમદાવાદની મહિલાને મુંઢ માર મારવામાં આવ્યો હતો. આ અંગે અમદાવાદના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં રહેતી અને રમકડા વેચતી ઉષાબેન દિનેશભાઈ રાઠોડ (ઉ.વ.૨૭)એ હુડકો ક્વાટર્સમાં રહેતા સુરભાઈ હરીભાઈ, હરીભાઈ માનાભાઈ, ભીમભાઈ માનાભાઈ, પુનાભાઈ ભીમાભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, ઉષાબેનના કૌટુંબિક ભાઈએ માતાજીનો માંડવો રાખ્યો હોવાથી તેઓ પરિવાર સાથે આવ્યા હતા. માતાજીનો માંડવો શરૂ હતો અને ભૂવા ધૂણતા હતા ત્યારે તેઓ ભુવા પર પૈસા ઉડાવવા ગયા હતા. જેથી આરોપીઓ તેમનું બાવડું પકડી બળજબરીથી માંડવામાંથી બહાર કાઢી ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. આ દરમિયાન તેમના પિતા, ભાઈ તથા માતા વચ્ચે પડતાં આરોપીઓએ તેમને પણ ઢીકાપાટુ માર્યા હતા. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.કે.મોરવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.