સફળ પુરૂષની પાછળ મહિલાની ભૂમિકા અગત્યની ઃ ધારાસભ્ય મહેશ કસવાલા

અમરેલીમાં આવેલ ખેડવાળ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓને રોજગારીના અવસરો પ્રાપ્ત થાય તે માટે સ્વરોજગાર મેળો યોજાયો હતો, સાથે ઉદ્યોગ ક્ષેત્રે સાહસિક અને સફળ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ માસમાં પ્રથમ અઠવાડિયામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત વિવિધ મહિલા કેન્દ્રિત દિવસની ઉજવણીના ભાગરુપે તાલુકા-જિલ્લાકક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. કાર્યક્રમમાં મહિલાઓને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિષયક વિગતો અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
આ ઉપરાંત ગુજરાત સરકારની વ્હાલી દીકરી યોજના અન્વયે લાભાર્થીઓને મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. નોકરીદાતાઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી પ્રસંગે સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યુ હતું કે, માનવ સમાજના ઈતિહાસમાં સામાજિક ક્ષેત્રે મહિલાઓનું અમૂલ્ય યોગદાન છે. કોઈપણ સફળ પુરુષની પાછળ મહિલાની ભૂમિકા અગત્યની છે.
ધારાસભ્ય મહેશ કસવાળાએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચી રહ્યો છે. તેમણે સરકારની ડ્રોન દીદી યોજના વિશે કેટલીક મહત્વની માહિતીઓ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના નોકરીદાતાઓ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી, જિલ્લા રોજગાર અધિકારી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.