અમરેલી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ કેટલાક તત્વો જાહેરમાં હથિયારો લઈને ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા છે. શહેરમાં રહેતી એક પરિણીતાને તલવારનો ઘા મારી તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવના પગલે ખળભળાટ મચી ગયો હતો. આ અંગે પરિણીતાએ રોકડીયાપરામાં રહેતા રમેશભાઈ વાઘજીભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, બે દિવસ પહેલા બપોરે સવા એક વાગ્યાના સુમારે મહિલાને ગાળો આપીને મોઢા પર નખથી બાખોચીયા ભર્યા હતા. ઉપરાંત ધક્કો મારી પછાડી દઇને ઇજા પહોંચાડી હતી. જે બાદ તેણે મુકેશભાઈ ડાબસરાના ઘરે બાઇક લઇ આવી તેની પાસે રહેલી તલવાર વડે મુંઠનો ભાગ મહિલાના ડાબા પડખામાં મારી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ મહેશભાઈ દિનેશભાઈ સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.