ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત આગામી તા. ૨૫ જૂન, ૨૦૨૫ના રોજ યોજાનારી મતગણતરી સંદર્ભે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપસિંહ ગોહિલે જાહેરનામું બહાર પાડ્‌યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી, મતગણતરી મથકોની આજુબાજુના ૧૦૦ મીટર વિસ્તારમાં સવારે ૬ વાગ્યાથી મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાર કરતાં વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, મતગણતરી સ્થળ પર સેલ્યુલર/મોબાઈલ ફોન જેવા ઉપકરણો લઈ જવા કે તેનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અધિકૃત પ્રવેશ પાસ વિના કોઈ પણ વ્યક્તિ મતગણતરી કેન્દ્રમાં દાખલ થઈ શકશે નહીં. આ જાહેરનામું તા. ૨૫ જૂન, ૨૦૨૫ના રોજ સવાર ૬ વાગ્યાથી આખરી પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી અમલી રહેશે. ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે.