અમરેલી શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે ભવ્ય મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૧૦૦૦થી વધુ શુદ્ધ, સાત્વિક અને શાકાહારી વાનગીઓ ભગવાનના ચરણે અર્પણ કરવામાં આવી. પૌરાણિક પરંપરા અનુસાર નવા વર્ષે નવા ધાન્ય અને પાકની આ રીતે ભગવાનને ભેટ ધરવામાં આવે છે. પૂજ્ય સાધુ ચરિત સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં હરિભક્તો, બાળકો અને યુવા મંડળના સભ્યોએ મહિનાઓની મહેનત કરી હતી. ગઢડા મંદિરના કોઠારી પૂજ્ય અધ્યાત્મ સ્વરૂપ સ્વામીએ ગોવર્ધન પૂજા દ્વારા અન્નકૂટ દર્શનનો શુભારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા સહિત જિલ્લાના અગ્રણી મહાનુભાવો, સમાજના આગેવાનો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, વિવિધ જ્ઞાતિના પ્રતિનિધિઓ, તબીબો અને મીડિયાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આશરે ૧૦,૦૦૦થી વધુ ભાવિકોએ આ મહા અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો.