રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલી પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ શાળા અને કોલેજોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી રંગોળી, નિબંધ લેખન અને ક્વિઝ સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ શાળાઓમાં યોજાયેલી રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ત્રિરંગો, ભારત માતા, અશોક ચક્ર, રાષ્ટ્રીય પ્રતીકો તેમજ સ્વતંત્રતા સેનાનીઓના ચિત્રો બનાવી દેશપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી. ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ હતી. ક્વિઝ સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આગામી દિવસોમાં પણ વિવિધ દેશભક્તિમય કાર્યક્રમો યોજાશે.