અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર દ્વારા સંસ્થાના સ્થાપક અને પુસ્તક પરબના પ્રણેતા ડો. પ્રતાપભાઈ પંડ્‌યાની ૮૮મી જન્મજયંતી નિમિત્તે ૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ ‘પ્રતાપપર્વ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત પ્રસિધ્ધ લેખક ડો. નિમિત ઓઝાએ ‘સાહિત્યથી સ્વસ્થતા સુધી’ વિષય પર વૈશ્વિક સંદર્ભો સાથે ચિંતનાત્મક વક્તવ્ય રજૂ કરી શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા. મંગલ દીપ પ્રાગટ્ય અને જિલ જોષીના ગાન સાથે શરૂ થયેલા આ સમારોહમાં વડોદરાથી વિશેષ ઉપસ્થિત રમાબેન પંડ્‌યાનું સન્માન કરવામાં આવ્યું હતું. મેનેજિંગ ટ્રસ્ટી ઉમેશભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ડો. કાલિન્દી પરીખ, જાગૃતિ રાજ્યગુરુ અને કેતન જોષીનું સાહિત્યિક સિદ્ધિઓ બદલ વિશેષ સન્માન કરાયું હતું. ડો. ભરત કાનાબાર, પારુલ ખખ્ખર અને ભરત વિંઝુડા જેવા અનેક દિગ્ગજ સર્જકોની હાજરીમાં ડો. પંડ્‌યાના સાહિત્ય વારસાને યાદ કરવામાં આવ્યો હતો. અંતમાં કાશ્મીરાબેન ભટ્ટે આભારવિધિ કરી સૌનો સ્નેહ સ્વીકાર્યો હતો. સમગ્ર આયોજન મનીષાબેન પંડ્‌યાની પ્રેરણા અને ટ્રસ્ટી મંડળની જહેમતથી સફળ રહ્યો હતો.