નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમરેલી સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની કલા-શક્તિને એક વિશાળ મંચ પૂરો પાડવા માટે સમિતિ દ્વારા “ઉલ્લાસ (૪.૦)-૨૦૨૬” વાર્ષિકોત્સવની અત્યંત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના કલેક્ટર પી.બી. પંડ્યા, જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી. ગોહીલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.પી. મિયાણી તેમજ નિરંતર શિક્ષણાધિકારી જી.એમ. સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર-કચ્છ નોટરી એસોસીએશનના પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી, કાચાભાઈ, કેતનભાઈ સોની, ડો. એસ.આર. દવે, ડાયેટના રાજુભાઇ મહેતા અને મુકુંદભાઈ મહેતા જેવા મહાનુભાવોએ પણ હાજરી આપી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઇ સોઢા, ભગીરથભાઇ ત્રિવેદી, પંકજભાઈ ભરાડ, રાજુભાઇ ધાનાણી, પરેશભાઈ ઝાલાવાડીયા, મુકેશભાઇ ગોહિલ અને જયેશભાઇ ઉપાધ્યાય સહિતના અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ શાળાઓના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સહભાગી થયેલા દરેક બાળકને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા, જ્યારે દરેક શાળાને સ્મૃતિચિહ્ન આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિશેષ રૂપે, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય કે તૃતીય ક્રમ મેળવનાર તેજસ્વી પ્રતિભાઓને મેડલ અને ઇનામો અર્પણ કરાયા હતા. આ સાથે જ દરેક શાળાના દરેક ધોરણમાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પણ મોમેન્ટો આપી બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સમાજ શ્રેષ્ઠીઓ, વેપારી અગ્રણીઓ, વકીલો, ડોક્ટરો, વાલીઓ અને પત્રકાર મિત્રોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોષી, વાઇસ ચેરમેન દામજી ગોલ, શાસનાધિકારી આશિષ જોષી અને સમગ્ર ઓફિસ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી તેમ સંદિપ વામજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.









































