અમરેલી જિલ્લામાં બાળ કલ્યાણ ક્ષેત્રે એક નવી સિદ્ધિ પ્રાપ્ત થઈ. જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા તા. ૧૫/૦૫/૨૦૨૫ના રોજ સૌપ્રથમ વખત ત્રણ દીકરીઓને તેમના સાવકા પિતા (સ્ટેપ ફાધર) દ્વારા કાયદેસર રીતે દત્તક લેવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી દીકરીઓને કાયમી પિતાની છત્રછાયા હેઠળ સુરક્ષિત કરવામાં આવી છે. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક, સમાજ સુરક્ષા વિભાગ, ગાંધીનગર, તથા સ્ટેટ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ દત્તકવિધાનનો કાર્યક્રમ સમગ્ર ભારતમાં અમલમાં છે. કલેક્ટર કચેરી ખાતે આ અંગેના દત્તકવિધાનના આદેશો જિલ્લા કલેક્ટરના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા અને દીકરીઓ તથા તેમના કાયદેસરના માતા-પિતાને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે બાળ કલ્યાણ સમિતિ , અમરેલીના અધ્યક્ષ રાજેશભાઈ કાબરીયા, સમિતિના સભ્ય કેતનભાઈ ઢાંકેચા, સુનીલભાઈ રાજ્યગુરુ, નિકુબેન પંડ્યા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નયનાબેન પુરોહિત અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિશાલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યને સફળ બનાવવા સમગ્ર બાળ સુરક્ષા, અમરેલીની ટીમ અને સુરક્ષા અધિકારી પિયુષભાઈ જોટંગીયાનો મહત્વનો ફાળો રહ્યો હતો.










































