દેશના સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સમગ્ર દેશ, રાજ્ય અને અમરેલી જિલ્લો દેશભક્તિના રંગે રંગાશે. સમગ્ર જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નાગરિકો ઘરે ઘરે તિરંગો લહેરાવે તે માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.૮ થી તા.૧૪ ઓગસ્ટ દરમિયાન ગ્રામ્ય, નગરપાલિકા અને તાલુકા કક્ષાએ અનેકવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા અને તાલુકાના અધિકારીઓને માર્ગદર્શન આપવાના હેતુથી અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી અને તાલુકાના સર્વે અધિકારીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તિરંગા સેલ્ફી, તિરંગા યાત્રા, શાળાઓમાં વકતૃત્વ, ચિત્ર તેમજ રંગોળી સ્પર્ધાઓની તસવીરો ‘હર ઘર તિરંગા’ વેબસાઇટ પર અચૂક અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા પણ જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી.