અમરેલીના જીમખાના ગ્રાઉન્ડ ખાતે ૧૭મીથી ૧૯મી ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન ત્રિ-દિવસીયFPO મેળાનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળના સ્મોલ ફાર્મર્સ એગ્રીકલ્ચરલ બિઝનેસ એસોસિએશન (SFAC) દ્વારા યોજવામાં આવી રહ્યો છે. ભારત સરકાર આ મેળા દ્વારા ફાર્મર પ્રોડ્‌યુસર ઓર્ગેનાઈઝેશન (FPOs)ને તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરવા, ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ગ્રાહકો સાથે સીધું જોડાણ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. દિલીપભાઈ સંઘાણી (ચેરમેન-IFFCO/NCul) આ સમારોહના મુખ્ય અતિથિ હશે અને ૧૭મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સવારે ૧૦ વાગ્યે તેનું ઉદ્‌ઘાટન કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક અમરેલી વહીવટી તંત્ર ઓવરટાઇમ કામ કરી રહ્યું છે. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, હિરેનભાઈ હિરપરા, મનિષભાઈ સંઘાણી આ કિસાનમેળામાં સહયોગ આપી રહ્યાં છે. આ રાજ્ય-સ્તરની ઈવેન્ટનો ઉદ્દેશ્ય FPOsના ઉત્પાદનોને પ્રકાશિત કરવાનો, FPO ઉત્પાદનોના માર્કેટિંગ અને બ્રાન્ડિંગને સરળ બનાવવાનો અને સમગ્ર દેશમાં તેમના વેચાણમાં વધારો કરવાનો છે. મુલાકાતીઓ આરોગ્યપ્રદ નાસ્તો, ઘર અને રસોડામાં આવશ્યક ચીજવસ્તુઓ, સૌંદર્ય અને સુખાકારીના ઉત્પાદનો સહિત ઉત્પાદનોની વિશાળ શ્રેણી ખરીદી શકશે, જે તમામ ઓર્ગેનિક ખેતી પદ્ધતિઓમાંથી મેળવેલ છે. અત્યાર સુધી આયોજિત આ ૧૨મો FPO મેળો હશે, અને તેમાં ભારત અને ગુજરાતમાંથી ૫૦ થી વધુ FPO રજૂ થવાની અપેક્ષા છે. વચેટિયાઓને દૂર કરીને ખેડૂતો પોષણક્ષમ ભાવે ગ્રાહકોને તેમના ઉત્પાદનો સીધા વેચી શકશે. આ ઇવેન્ટ FPO માટે નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને ક્ષમતા નિર્માણ માટેની તકો પણ પ્રદાન કરશે, જે તેમને તેમની માર્કેટ એક્સેસ વધારવા અને મજબૂત બ્રાન્ડ ઓળખ બનાવવા માટે સક્ષમ બનાવશે. મેળો દરરોજ સવારે ૧૦ઃ૦૦ થી રાત્રે ૯ઃ૦૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે અને શાળાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે તેવી સ્પર્ધાઓ સહિત વિવિધ પ્રવૃત્તિઓ દર્શાવશે. FPOs અને ઓર્ગેનિક ઉત્પાદનોના મહત્વ વિશે વિદ્યાર્થીઓમાંજાગૃતિ લાવવા માટે શાળાઓને ઇવેન્ટની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે.