પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા પ્રમુખ-ચીફ ઓફિસરની અપીલ
અમરેલી,તા.૮
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વિભાગ-અમરેલી દ્વારા નર્મદા પાઈપલાઈન આધારીત જી.ડબલ્યુ.આઈ.એલ. હસ્તકની ગઢડા હેડવર્કસથી ચાવંડ હેડવર્કસ સુધીની ૧૨૦૦ એમ.એમ વ્યાસની મુખ્ય પાઈપલાઈનનાં ચાવંડ પમ્પીંગ સ્ટેશન પર તા.૧૦/૦૭/૨૦૨૪ થી તા.૧૪/૦૭/૨૦૨૪ સુધી પાઈપલાઈન નેટવર્ક જોડાણની કામગીરી થવાની છે. જેથી આ પાંચ દિવસનાં સમયગાળા દરમિયાન અમરેલી નગરપાલિકાને મહી પરીએજ યોજનાનો પાણી પુરવઠો મળવાનું બંધ રહે તેવી સ્થિતિ છે. શહેરનાં લોકલ સ્ત્રોતમાં પુરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થયું ન હોવાથી તા.૧૦/૦૭/૨૦૨૪ થી તા.૧૪/૦૭/૨૦૨૪ સુધી નિયમિત રીતે પાણી પુરવઠો આપી શકાય તેમ ન હોવાથી આ સમયગાળા દરમિયાન અમરેલી શહેરનાં પાણી પુરવઠા વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ પહોંચે તેમ છે. અમરેલી શહેરનાં નગરજનોને આ સમયગાળા દરમિયાન ઉપલબ્ધ પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા અને અમરેલી નગરપાલિકાને સહયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. મહી પરીએજ યોજનાનાં પાણી શરૂ થયેથી રાબેતા મુજબ પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે, તેમ અમરેલી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની એક યાદીમાં જણાવાયું છે.