અમરેલી શહેરમાં તા. ૨૩ જૂનથી શરૂ થતી પૂરક પરીક્ષાઓ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ પરીક્ષાઓ શહેરની વિવિધ શાળાઓ જેવી કે પારેખ અને મહેતા વિદ્યાલય (લીલાવંતી), ગાંધી મ્યુનિ. ગર્લ્સ હાઈસ્કુલ, અજમેરા ગર્લ્સ હાઈસ્કુલ, સેંટ મેરી, વિરાણી ગર્લ્સ હાઈસ્કુલ (યુનિટ-૦૧ અને યુનિટ-૦૨), સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર, વિશેષ વિદ્યાપીઠ, ઓક્સફોર્ડ હાઈસ્કુલ (યુનિટ-૦૧ અને યુનિટ-૦૨), ઝાલાવડિયા હાઈસ્કુલ, અને પાઠક હાઈસ્કુલ સહિતના સ્થળોએ યોજાશે. આ તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીની સુવિધા ઉપલબ્ધ રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી ગોહિલના જણાવ્યા અનુસાર, ધોરણ ૧૦ ની પરીક્ષા તા. ૨૩ જૂન થી તા. ૧ જુલાઈ દરમિયાન સવારે ૧૦ થી બપોરે ૧.૧૫ વાગ્યા સુધી ૧૨ બિલ્ડિંગના ૧૧૬ બ્લોક્સમાં યોજાશે, જેમાં આશરે ૩,૪૮૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે. ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ) ની પરીક્ષા તા. ૨૩ જૂન થી તા. ૩ જુલાઈ દરમિયાન સવારે ૧૦.૩૦ થી બપોરે ૧.૪૫ વાગ્યા સુધી ૦૨ બિલ્ડિંગના ૨૦ બ્લોક્સમાં લેવાશે, જેમાં આશરે ૬૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જ્યારે, ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષા તા. ૨૩ જૂન થી તા. ૩૦ જૂન દરમિયાન બપોરે ૩ થી સાંજે ૬.૩૦ વાગ્યા સુધી ૦૩ બિલ્ડિંગના ૩૦ બ્લોક્સમાં યોજાશે, જેમાં આશરે ૯૦૦ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી આ બેઠકમાં મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય, એસટી, આરોગ્ય સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









































