ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીનું આગામી તા.૧૬ અને તા.૧૭ના રોજ આગમન થઈ રહ્યુ છે ત્યારે પ્રધાનમંત્રીના આગમન બાદ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.ર૦ સપ્ટેમ્બરના રોજ અમરેલી જિલ્લામાં આગમન કરશે. આધારભુત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.ર૦મીએ સવારના ૯ કલાકે અમરેલીમાં પધારશે. અમરેલી શહેરમાં ચાર કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે જેમાં ખાસ કરીને અદ્યતન બસ સ્ટેશન, રાજમહેલ હેરીટેઝ, ફાયર ઓફિસ અને સ્પોટ્ર્સ સંકુલનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીના હસ્તે અદ્યતન બસ સ્ટેશનનું લોકાર્પણ થયા બાદ મુસાફરોની સુવિધામાં વધારો થશે. અમરેલીમાં વિકાસના કામો ખુલ્યા મુકયા બાદ મુખ્યમંત્રી સાવરકુંડલા, રાજુલા અને ધારી મુકામે થશે. જેમાં રાજુલા ખાતે તિરંગા ચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ફ્લેગ માર્ચ કરશે તેમજ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. ધારી મુકામે ડીવાયએસપી કચેરીનું લોકાર્પણ કર્યા બાદ આંબરડી સફારી પાર્કની મુલાકાત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લામાં પધારવાના હોય ત્યારે જિલ્લાના વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં ધમધમાટ જાવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી જિલ્લામાં અંદાજે ૩૦૦ કરોડથી વધારે વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રીના આગમનથી જિલ્લાના વિકાસકામોને વેગ મળશે અને લોકોની સુવિધામાં વધારો થશે.