અમરેલીમાં રહેતી એક યુવતી તેના ઘરની બહાર કૂતરા ભસતા હોવાથી જોવા ગઈ હતી. ત્યાંથી પરત આવતી હતી ત્યારે ‘તમે અમારા ઘરની બારીમાં ડોકા કેમ કાઢો છો’ કહીને છરીનો ઘા મારવામાં આવ્યો હતો. ઉપરાંત ઢીકાપાટુ મારીને જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે કેરીયા રોડ રામાનુજ હોસ્પિટલ સામેની ગલીમાં રહેતા અનીતાબેન વિનુભાઈ મિસર (ઉ.વ.૪૦)એ માધવભાઈ જીતુભાઈ પડસાલા તથા જીતુભાઈ ધીરૂભાઈ પડસાલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ રાત્રે પોતાના ઘરની બહાર કૂતરા ભસતા હોવાથી શેરીમાં જોવા ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે આરોપીએ તમે અમારા ઘરની બારીમાં કેમ ડોકા કાઢો છો કહી નેફામાંથી છરી કાઢી ઘા માર્યો હતો. જે બાદ સાથે મળી ગાળો બોલી, ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો અને જાનથી મારવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.એચ.મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.