ભારત સરકારની પી.એસ.એસ. યોજના હેઠળ ટેકાના ભાવે ચણાની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે અમરેલીમાં યાર્ડને બદલે ખાનગી સ્થળે ખરીદી થતા ચર્ચાઓ જાગી છે. આ અંગે સહકારી મંડળીના મેનેજર ગોપેશ ગજેરાએ સ્પષ્ટતા કરી છે કે, મંડળીએ પ્રથમ માર્કેટિંગ યાર્ડ પાસે જગ્યાની માંગ કરી હતી, પરંતુ યાર્ડ દ્વારા જગ્યા ઉપલબ્ધ ન હોવાનો લેખિત ઇન્કાર કરાયો હતો.ખેડૂતોની હાલાકી ટાળવા મંડળીએ હાલ ખાનગી જગ્યાએ કેન્દ્ર શરૂ કર્યું છે. મંડળીએ કલેક્ટર અને કૃષિ નિયામકને પત્ર લખી ફરી યાર્ડમાં જગ્યા ફાળવવા વિનંતી કરી છે. મેનેજરે જણાવ્યું કે, જો યાર્ડમાં જગ્યા મળશે તો વિલંબ વગર ખરીદી ત્યાં સ્થળાંતરિત કરાશે. તેમણે ખેડૂતોને અફવાઓથી દૂર રહેવા અને મંડળી હંમેશા ખેડૂત હિતમાં કાર્યરત હોવાની ખાતરી આપી હતી.








































