અમરેલી શહેરમાં સોમવારના રોજ જીએસટી વિભાગની ટીમે અચાનક કાર્યવાહી હાથ ધરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ શહેરની ત્રણ વેપારી પેઢીમાં અધિકારીઓએ દરોડા પાડી બિલો અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરી હતી. જીએસટી ટીમ શહેરમાં પહોંચી હોવાની માહિતી વાયુવેગે ફેલાતા અનેક વેપારીઓએ પોતાની દુકાનો તાત્કાલિક બંધ કરી દીધી હતી અને કેટલાક સ્થળ છોડી નીકળી ગયા હતા. અચાનક થયેલી આ કાર્યવાહીના કારણે બજારમાં થોડા સમય માટે અફરાતફરી મચી જવા પામી હતી. વેપારીઓમાં સમગ્ર દિવસ દરમિયાન દરોડાને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી હતી. જોકે, અધિકારીઓ તરફથી કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. હાલમાં સમગ્ર મામલે વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.