આગામી તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ અમરેલી ખાતે જિલ્લાની સહકારી સંસ્થાઓની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા યોજાશે. આ મહત્વપૂર્ણ બેઠક
પ્રાકૃતિક કૃષિના પ્રણેતા અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાશે. કાર્યક્રમ સવારે ૧૦ઃ૦૦ કલાકે સેન્ટર ઓફ એક્સેલેન્સ (ડી.આઈ.સી.આર.સી.) હોલ, અમરદાણ ફેકટરી સામે, ધારી રોડ, અમરેલી ખાતે યોજાશે. આ પ્રસંગે રાજ્યપાલ કચેરી ખાતે ઈન્ડેક્સના ચેરમેન દિલીપ સંઘાણી, જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનિષ સંઘાણી, ડીરેક્ટર બાબુભાઈ સખવાળા, પ્રદેશ ભાજપ પ્રવક્તા શૈલેષ પરમાર સહિતના પ્રતિનિધિ મંડળે પાઠવેલ નિમંત્રણનો રાજ્યપાલે સ્વીકાર કર્યો છે.
જિલ્લાની ૧૨ જેટલી સહકારી સંસ્થાઓની સાધારણ સભા એકસાથે એક મંચ પર મળશે જેમાં રાજ્યપાલ અધ્યક્ષસ્થાન શોભાવશે જે દેશ-રાજ્યમાં નોંધપાત્ર કહી શકાય તેવો ચીલો અમરેલી જિલ્લાએ ચાતર્યો છે જે પ્રશંસનીય છે.
આ કાર્યક્રમમાં જિલ્લાની તમામ સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું છે. આ કાર્યક્રમ સહકારી ક્ષેત્રના વિકાસ અને મજબૂતીકરણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.