અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ૧૦૦ ટકાની આસપાસ તો અમુક તાલુકાઓમાં ૧૦૦ ટકાની ઉપર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચોમાસાનું નોંધપાત્ર વાવેતર થયું હતું તો છેલ્લા કેટલાક દિવસ દરમિયાન તાપમાનનો પારો સતત મહતમ રહેતા જનજીવનને સખ્ત ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. આ વચ્ચે આજે અમરેલી શહેરથી વરસાદને લઇ સારા સમાચાર સાંપડયા છે, જ્યાં બપોર બાદ વરસાદનું જોરદાર ઝાપટું વરસતા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ૧૧ મિલીમીટર વરસાદ પડ્યો હોવાનું ફ્લડ વિભાગ તરફથી જણવા મળ્યું હતું. હવામાન વિભાગ તરફથી અમરેલી સહિત ૧૧ રાજ્યોમાં વરસાદ થવાની આગાહી જાહેર કરવામાં આવી હતી જેથી અમરેલી શહેરમાં જારદાર વરસાદી ઝાંપટુ પડી જતા વાતાવરણ શીતલ બન્યુ હતુ. બગસરામાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વડીયા-કુંકાવાવમાં સમી સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે દોઢ ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. વરસાદથી વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. મગફળીના પાથરા પલળતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. વિજયાદશમીએ વરસાદી ઝાંપટુ વરસતા ખેલૈયાઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. નવરાત્રીમાં મેઘરાજાએ વિરામ લેતા આયોજકોએ રાહત અનુભવી હતી.