અમરેલી શહેર આજે જલારામમય બની ગયું હતું. જલારામબાપાની રરરમી જન્મજયંતીની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. અમરેલીમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. સતત ત્રણ દિવસ સુધી રઘુવંશી સમાજ દ્વારા અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજરોજ જલારામ જયંતીના દિને સવારે ૮ઃ૦૦ કલાકે દેવતા પૂજન તેમજ નિજ મંદિરમાં પ્રતિષ્ઠા પૂજન સાથે મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. બપોરના સમયે ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. સાંજના સમયે મહારાજ ભોગ, અન્નકુટ તેમજ મહાઆરતી યોજાઇ હતી. આ સમારોહના દાતા શાંતિલાલ હરિભાઇ આડતીયા પરિવારનું સન્માન કરાયું હતું. રાત્રિના જ્ઞાતિ ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો. જલારામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શહેરના રાજકીય, સામાજિક અગ્રણીઓએ હાજરી આપી હતી. તેમજ સંતો અને મહંતોએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા.