અમરેલી ખાતે મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં ચાલતી ૭/૧૨, ૮-અની નકલો આપવી, ઈ-સ્ટેમ્પ, આધારકાર્ડ, પુરવઠા, એટીવીટી જેવી વિવિધ કામગીરી સબબ અરજદારોનો સતત ધસારો રહે છે. અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બી.એન.એસ.એસ.) – ૨૦૨૩ ની કલમ – ૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તાબાની તમામ કચેરી ખાતેના જનસેવા કેન્દ્ર તથા કચેરીઓ ખાતે કે કચેરીનાં કેમ્પસમાં વ્યાજબી કામ સિવાય આવેલા અધિકૃત ઈસમો, ઈસમોની ટોળી, જાહેર જનતા કે અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરતા હોય તેવા ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ હુકમ જિલ્લા કલેક્ટર કચેરીની તાબાની તમામ કચેરી ખાતેના જનસેવા કેન્દ્રો તથા કચેરીઓનાં કેમ્પસમાં લાગુ પડશે, તા.૨૩ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી અમલી રહેશે. હુકમ ભંગ કરનાર ઈસમો સામે ફરિયાદ માંડવા માટે તાબાની સંબંધિત કચેરીઓના વડાને અધિકૃત કરવામાં આવે છે. હુકમનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ની કલમ – ૨૨૩ની જોગવાઈઓ અન્વયે કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે ઉપરાંત સજાપાત્ર છે.