ટેકનોલોજીની સાથે સાથે હવે ચોર પણ હાઇટેક બન્યા છે. અમરેલીમાં મંદિરોને નિશાન બનાવી ચોરી કરતી શાતિર ગેન્ગનો પર્દાફાશ થયો છે. અમરેલી એલસીબીએ ગુગલ મેપની મદદથી ચોરી કરતી ગેન્ગના ૬ શખ્સને ઝડપી પાડ્યા છે. પોલીસે આ આરોપીઓ પાસેથી અઢી લાખ રૂપિયાની ચોરીની માલમત્તા પણ જપ્ત કરી છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ગેંગે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો ગામની બહાર તથા સુમસામ વિસ્તારમાં આવેલા મંદિરોના લોકેશન ગુગલ મેપ દ્વારા સર્ચ કરી પહેલા રેકી કરતા હતા અને ત્યારબાદ રાત્રિના સમયે મંદિરોના તાળાં તોડી દાગીના, રોકડ રકમ અને પૂજાસામગ્રીની ચોરી કરતા હતા. આ રીતે ગેંગે એક પછી એક ૧૮ મંદિરોમાં ચોરી કરી હતી.
છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લામાં મંદિરોમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી હતી, જેને પગલે એલસીબી દ્વારા ટેકનિકલ સોર્સ તેમજ વુમન સોર્સના આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પુરાવા એકત્રિત કર્યા બાદ આખરે આ ગેંગને ઝડપી પાડવામાં એલસીબીને સફળતા મળી છે.
જેમની ધરપકડ કરવામાં આવી છે તેમાં ૧. કમલેધભાઈ ઉર્ફે કમિધ ચંદરસીંગ બામણિયા (ઉ.વ. ૨૨),૨. ગોપાલ ઉર્ફે ગુડીયો સરદાસભાઈ બામણિયા (ઉ.વ. ૨૧),૩. નરપતસિંહ સુભાન ઉર્ફે સોબાનભાઈ ગાવડ (ઉ.વ. ૩૨),૪. બાયસિંહ પારૂભાઈ અજનાર (ઉ.વ. ૨૮),૫. સીરદાર ઉર્ફે સરદાર કેલસિંહ મહેડા (ઉ.વ. ૩૦),૬. સુરેશભાઈ કાળીયાભાઈ ઉર્ફે કાળુભાઈ બામણિયા (ઉ.વ. ૨૦)નો સમાવેશ થાય છે
આ અંગે અમરેલી એલસીબીના પીઆઇ એડી ચાવડાએ જણાવ્યું હતું કે, “મંદિરોમાં સતત થતી ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ટેકનિકલ તથા માનવ સૂત્રોના આધારે તપાસ કરવામાં આવી હતી. પૂરતા પુરાવા એકત્રિત થયા બાદ આ છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા હાલ આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે. આ ગેંગ સાથે અન્ય કોઈ વ્યકિત સંડોવાયેલી છે કે કેમ તેમજ અન્ય વિસ્તારોમાં થયેલી ચોરીની ઘટનાઓની કડીઓ શોધવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.