અમરેલી શહેરમાં નજીવી બાબતે થયેલા ઝઘડાએ હિંસક વળાંક લીધો હતો. ચાર આરોપીઓ સહિત પાંચ જેટલા ઈસમોએ ફરિયાદી અને તેમના મિત્ર પર છરી વડે જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી. મોહીનભાઇ અજીજભાઇ પરમાર (ઉ.વ.૩૪) એ સમીમ ઉર્ફે સમ્મા, ભાવીન ગોંડલીયા, એક અજાણ્યો પુરૂષ તથા એક અજાણી સ્ત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વિગત એવી છે કે, ફરિયાદી પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમના મિત્ર ઔરંગઝેબનો ફોન આવતા તેમને ઝઘડાનો અવાજ સંભળાયો હતો. મિત્ર અમાનભાઈ અકબરભાઈ પરમારે ફોન પર જણાવ્યું કે, એઝાઝભાઈના ઘર પાસે આરોપી સમીમ ગાળો બોલી રહ્યો છે. ફરિયાદી તરત જ આરોપીના ઘર પાસે પહોંચ્યા હતા. ત્યાં આરોપી જોર જોરથી ગાળો બોલી રહ્યો હતો અને અન્ય આરોપીએ છરી કાઢીને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી પર હુમલો કરીને એક ઘા ડોકની ડાબી બાજુ, બીજો ઘા ડાબા હાથના બાવડામાં, ત્રીજો ઘા જમણા હાથમાં માર્યો હતો. આ જીવલેણ હુમલામાં તેમને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેમને કુલ ૧૫ ટાંકા લેવા પડ્‌યા હતા. વચ્ચે પડેલા સાહેદ અમાનભાઈ પર પણ છરી વડે હુમલો કરી વાંસાના પાછળના ભાગે અને છાતીના જમણા ભાગે ઈજા પહોંચાડી હતી. સાહેદને પણ સારવાર દરમિયાન કુલ ૧૩ ટાંકા આવ્યા હતા.