અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં રહેણાંક વિસ્તારોમાં અવારનવાર સિંહ અને દીપડા ઘૂસી જવાના બનાવો બની રહ્યા છે. શનિવારે રાત્રે અમરેલીના ધારીના જળજીવડી ગામમાં દીપડો ઘૂસી આવતા અફરાતફરી મચી હતી. ગામની શેરીઓમાં દોડધામ કરી રહેલો દીપડો એક ઘરમાં ઘૂસી ગયો હતો અને અભેરાઈ પર ચડી બેસી ગયો હતો. ઘટના અંગેની જાણ વનવિભાગની ટીમને કરાતા દીપડાને બેભાન કરી પાંજરે પૂરવાનો નિર્ણય કરાયો હતો. ફોરેસ્ટની ટીમ દ્વારા સીડીની મદદથી મકાનની પાછળના ભાગે આવેલી બારીમાંથી ટ્રાન્કિવલાઈઝર ગનની મદદથી દીપડાને બેભાન કરી પાંજરે પૂરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ધારીના જળજીવડી ગામમાં રાત્રિના સમયે શાંતિનો માહોલ હતો. અચાનક જ દીપડો ઘૂસી આવ્યો હતો અને પશુ પર હુમલો કરતા ગામમાં દોડધામ મચી હતી અને લોકો સલાસત સ્થળે પહોંચી ગયા હતા. ગામની શેરીઓમાં દોડધામ કરી રહેલો દીપડો અચાનક મુન્નાભાઈ રામાણીના ઘરમાં ઘૂસી ગયો હતો અને એક રૂમની અભેરાઈ પર ચડી બેસી ગયો હતો.રહેણાંક મકાનમાં દીપડો ઘૂસી ગયાની જાણ થતા વનવિભાગની ટીમ રાત્રિના સમયે જ ગામમાં દોડી આવી હતી. દીપડાને પકડવા માટે બેભાન કરવો જરુરી લાગતા વનવિભાગના કર્મચારીઓ દ્વારા ટ્રાન્કિવલાઈઝર ગન તૈયાર કરવામાં આવી હતી.મકાનની બહારના ભાગે એક બારી હોય વનકર્મીઓ સીડીની મદદથી બારી સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી દીપડાને બેભાન કરાયો હતો. દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જળજીવડી ગામના મુન્નાભાઈ રામાણીએ જણાવ્યું હતું કે, રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં દીપડાએ હિંમતભાઈના ઘરે પશુ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ શેરીમાં આવ્યો હતો ત્યારે એક વૃદ્ધનો બચાવ થયો હતો. ત્યારબાદ તે સીધો જ મારા ઘરમાં ઘૂસી ગયો તો. અમારે ત્યાં આ પ્રકારના ત્રણ બનાવ બની ચૂક્યા છે. સરકારને વિનંતી છે કે, વનવિભાગના પ્રાણીઓને વનવિભાગ પાસે રાખે.
ધારી ગીર પૂર્વના ડીસીએફ રાજદીપ સિંહ ઝાલાએ કહ્યું હતું કે, જળજીવડી ગામમાં રાત્રીના સમયે દીપડો ઘૂસી ગયો હતો. ગામલોકોએ વનવિભાગને જાણ કરતા અમારી ટીમ પહોંચી હતી અને દીપડાને કોર્ડન કરી રેસ્ક્યૂ કર્યું હતું. હાલ તેને એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો છે.
બે મહિના પહેલા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરીમાં દીપડો ઘૂસી જતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે દોડધામ મચી હતી. કૃષિ યુનિવર્સિટીની બાયો એનર્જી લેબોરેટરીમાં દીપડો ઘૂસી જતા વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવી ટ્રાન્કિ્વલાઇઝર ગનની મદદથી દીપડાને બેભાન કરી પાંજરે પૂરવામાં આવ્યો હતો. વન વિભાગના અધિકારી-કર્મચારીઓએ ચાલુ વરસાદમાં એક કલાક સુધી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરી દીપડાને પકડી લેતા યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.