અમરેલીમાં ગુજરાતનું ૧૦મું અત્યાધુનિક આધાર સેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર શરૂ થતાં હવે નાગરિકોને આધાર કાર્ડની નવી નોંધણી, નામ-સરનામામાં સુધારા તથા બાયોમેટ્રિક અપડેટ માટે અમદાવાદ કે મુંબઈ જવાની જરૂર રહેશે નહીં. બાળકોની આધાર નોંધણીથી લઈને વડીલોના બાયોમેટ્રિક અપડેટ સુધીની કામગીરી અહીં થઈ શકશે. અને નાગરિકોની સુવિધા માટે ચાર મશીનો મુકવામાં આવ્યા છે. નાગરિકો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈને કેન્દ્ર પર આવી શકશે. એપોઈન્ટમેન્ટ વિના આવતા અરજદારોની કામગીરી પણ સમયસર પૂર્ણ કરવામાં આવશે. સરકારી ગેઝેટેડ રજાઓ સિવાય કેન્દ્ર સાતેય દિવસ ખુલ્લું રહેશે. નવા આધારની નોંધણી નિઃશુલ્ક રહેશે, જ્યારે અન્ય સુધારા માટે UIDAIના નિયમ મુજબ નિયત ચાર્જ ચૂકવવો પડશે. રાજ્યના ૨૫ જિલ્લાઓમાં આવા કેન્દ્રો શરૂ કરવાની યોજના છે. ઉદઘાટન સમારોહમાં ભરતભાઈ સુતરીયા, અતુલ કાનાણી, મયુરભાઈ માંજરીયા, રાજેશ કુમાર ગુપ્તા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.









































