શ્રી રામસેતુ સેવા સમિતિ સુખનાથપરા અને માણેકપરા, અમરેલી દ્વારા ૪ માર્ચના રોજ એક ભવ્ય ‘વિરાટ હિન્દુ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગાનથી થઈ હતી, ત્યારબાદ સમિતિના અધ્યક્ષ પ્રકાશભાઈ ધોળકિયાએ પ્રાસંગિક સ્વાગત પ્રવચન કર્યું હતું. શાળાના બાળકોએ આકર્ષક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
સંમેલનમાં મુખ્ય વક્તા ડા. હીમ પરીખે ‘પંચ પરિવર્તન’ અંતર્ગત કુટુંબ પ્રબોધન, પર્યાવરણ અને સ્વદેશી જેવા વિષયો પર સચોટ વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે નરસિંહ મહેતાના ‘વૈષ્ણવજન’ પદ દ્વારા હિન્દુ ધર્મની માર્મિક વ્યાખ્યા સમજાવી હતી. આ ઉપરાંત, નિકિતાબેન પંડયા, ત્યાગી મોરારીદાસ બાપુ, હરિપ્રસાદ સ્વામી અને પૂજ્ય સુખ સ્વામીએ સ્ત્રી સશક્તિકરણ, રાષ્ટ્રભક્તિ અને વર્તમાન સમયમાં નાગરિક કર્તવ્ય વિશે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા. શિસ્તબદ્ધ રીતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભોજન વ્યવસ્થામાં પણ પર્યાવરણની જાળવણીનો વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. અંતમાં મંત્રી જીગ્નેશભાઈ સાવલિયાએ આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.









































