સામાન્ય રીતે પોલીસ ગુનેગારોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવાનો કેસ સોલ્વ કરવાનો દાવો કરતી હોય છે, અને મોટા ઉપાડે પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાની ટીમને બિરદાવતી હોય છે. સીસીટીવી ફૂટેજ, હ્યુમન સર્વેલન્સ જેવા આધુનિક સ્ત્રોતો દ્વારા આરોપીઓને પાતાળમાંથી પણ શોધી કાઢવાની વાતો કરાય છે. જોકે, જ્યારે વાત પોતાના જ વિભાગની આવે ત્યારે આ દાવાઓ પોકળ સાબિત થતા હોય છે. અમરેલીમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બે પોલીસકર્મીઓ સામે દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી ફરિયાદના એક કેસમાં એક પોલીસકર્મીની ધરપકડ થઈ ચૂકી છે. પરંતુ અન્ય એક કેસનો આરોપી પોલીસકર્મી છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ પકડથી દૂર છે. આ ઘટનાથી પોલીસની કામગીરી અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે, અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમરેલીમાં એક ૧૪ વર્ષીય સગીરાએ એક પોલીસકર્મી પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. જે મામલે બાબરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ પર અપહરણ, દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે મામલે ફરાર આરોપી પોલીસકર્મીને અંતે ઝડપી લેવાયો છે. સગીરાએ આરોપી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ પર આરોપ લગાવ્યો હતો કે, પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ છેલ્લા ૪ મહિનાથી સગીરાને શારીરિક અપડલાં કરતો હતો. તેમજ તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. એ જ દિવસે, અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહેશ સોલંકી નામના પોલીસ કર્મચારી વિરુદ્ધ ૩૦ વર્ષીય મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે મહેશ સોલંકીએ લગ્નની લાલચ આપીને તેની સાથે બળજબરીપૂર્વક અને અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ ફરિયાદના આધારે મહેશ સોલંકી વિરુદ્ધ પણ બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, આ આરોપી પોલીસકર્મી પણ હાલ ફરાર છે.

પોલીસ દ્વારા દાવો કરવામાં આવે છે કે તેઓ આરોપીઓને પાતાળમાંથી પણ શોધી કાઢે છે. પરંતુ પોતાના જ વિભાગના પોલીસ કર્મચારી સામે દુષ્કર્મ જેવી ગંભીર ફરિયાદો નોંધાયાને એક સપ્તાહ થવા છતાં આરોપી પકડાયો નથી. પોલીસ ફક્ત “તપાસ અને શોધખોળ ચાલી રહી છે” તેવી વાતો કરી રહી છે, પરંતુ કોઈ નક્કર પ્રગતિ જોવા મળી રહી નથી. આ ઘટનાઓએ કાયદાના રક્ષકો પર જ ગંભીર સવાલો ઉભા કર્યા છે અને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે શું ખાખી વર્દીના ગુનેગારોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? શું પોલીસ દ્વારા દુષ્કર્મીઓની ધરપકડ બાદ તેનું સરઘસ કઢાશે?

આ ઘટનાઓ ગુજરાત પોલીસની છબીને દાગ લગાડી રહી છે અને તાત્કાલિક ધોરણે આરોપીઓને ઝડપી પાડી કાયદાનું શાસન સ્થાપિત કરવું અનિવાર્ય છે.