અમરેલીના કુંકાવાવ રોડ પર ચોરીની એક ઘટના સામે આવી છે, જેમાં તસ્કરોએ એક ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કિંમતી સામાનની ચોરી કરી છે. અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલ ‘વિ.કે.પટેલ ફાર્મ’ ખાતે આ ચોરીની ઘટના બની હતી. જયંતીભાઇ બાબુભાઇ ઠુંમર (ઉ.વ.૫૬)એ આ અંગે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ફાર્મ હાઉસમાં બેસવા માટે બે માળની ઘાસની ખુલ્લી ઝૂંપડી બનાવી હતી. કોઈ અજાણ્યા તસ્કરે આ વાડીના ભાગમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઝૂંપડીમાં ફિટ કરેલા ૪ નંગ પંખા અને ત્યાં રાખેલું એક કુલર મળી કુલ રૂ.૧૫,૦૦૦નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.બી.ભટ્ટ વધુ તપાસ કરી રહ્યા છે.









































