દિવાળીના તહેવાર પર નવી કાર ખરીદીનું ચલણ છે. અમરેલી જિલ્લામાં કારની માંગ કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન ઘટી હતી. પરંતુ પરિસ્થિતિ સામાન્ય થવાં સાથે જ માંગ પ્રિ-કોવિડના સ્તરેથી ૨૫ થી ૩૫ ટકા જેટલી વધી છે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબી રહ્યા હોવા છતાં જિલ્લામાં કાર ખરીદનારા લોકોને રાહ જોવી પડી રહી છે, જેના પરથી અમરેલીમાં લોકો કાર ખરીદવા કેટલા આતુર છે તેનો અંદાજ આવી શકે છે.
હાલ અમરેલીમાં કાર વેઇટિંગનો પીરિયડ ૧૨૦-૯૦ દિવસનો છે. ઈંધણના ભડકે બળતા ભાવના કારણે લોકો સીએનજી તરફ વધુ વળી રહ્યા છે. આ ઉપરાંત એસયુવી તરફ પણ લોકોનો ધસારો છે. બીજી તરફ કાર એક્સેસરિઝના વિક્રેતાના કહેવા મુજબ, લોકો સ્ટાઈલિશ એક્સેસરીઝ વધુ નંખાવી રહ્યા છે.
અમરેલીમાં હ્યુન્ડાઈ મોટર્સના મૃણાલભાઈ ગાંધીના જણાવ્યા અનુસાર, તમામ મોડલમાં ૧૨૦ થી ૯૦ દિવસ સુધીનું વેઇટિંગ છે. સીએનજી અને એસયુવી કાર્સ લોકો વધુ પસંદ કરી રહ્યા છે. સીએનજીમાં ગ્રાંડ આઈ૧૦ સૌથી વધુ વેચાઈ રહી છે. ઓટો એક્સપર્ટના કહેવા મુજબ, લોકો હવે જાહેર પરિવહનના બદલે ખાનગી વાહનોને પ્રાથમિકતા આપી રહ્યાં છે અને પોતાની કાર ખરીદી રહ્યા છે. જેના કારણે મોટા શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ કારની ખરીદીમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે. નવી કાર ખરીદવામાં ચાલતા લાંબા વેઇટિંગના કારણે ઘણા લોકો સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.
અમરેલીમાં સેકન્ડ હેન્ડ કાર ડિલરે જણાવ્યું, મહામારીના લીધે લોકો પર્સનલ વાહનની ખરીદીને અગ્રતા આપી રહ્યા છે. વેઇટિંગ પીરિયડ લાંબો હોવાથી પ્રિ-ઓન્ડ માર્કેટમાંથી ખરીદી વધી છે. અગાઉ ૧૦ થી ૧૨ ટકા ખરીદદારો જ સેકન્ડ હેન્ડ કારને પ્રાધાન્ય આપતા હતા તે આંકડો વધીને ૨૫ પર પહોંચી ગયો છે. નવી કારની જેમ સેકન્ડ હેન્ડ કાર ખરીદવા પણ લોન લઈ રહ્યા છે.

જિલ્લામાં કેમ વધી સીએનજી કારની માંગ ?
અમરેલી જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો ભાવ ૧૦૦ રૂપિયાને વટાવી ગયો છે. ઘણા લોકો હાલ પરિવારની જરૂરિયાત અને ગામડામાંથી શહેરમાં જવા કોઈ જાહેર પરિવહનનું સાધન ઉપલબ્ધ ન હોવાથી પોતાની કાર ખરીદી રહ્યા છે. આવા લોકોને ખૂબ જરૂરિયાતના સમયે જ કાર લઈને જવાની હોય છે. પેટ્રોલ-ડીઝલની કારનું મેન્ટેનન્સ વધારે આવે છે, તેની સામે સીએનજી કારનો સારસંભાળ ખર્ચ નહીંવત છે. ઉપરાંત પેટ્રોલની તુલનામાં સીએનજીનો ભાવ હજુ પણ પોસાય તેમ હોવાથી અમરેલીવાસીઓ સીએનજી કાર પર પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે.