અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ અને અમરેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં ધારાસભ્ય તેમજ જિલ્લાના અધિકારીઓ સમક્ષ સ્ટેમ્પ ડ્‌યુટી નાયબ કલેકટર દ્વારા સૂચિત જંત્રી દર અંગેની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતુ. સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઇ કસવાળાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેકટરએ વિવિધ કચેરીઓના અધિકારીઓને જરૂરી દિશાદર્શન આપ્યું હતું. સાવરકુંડલા પ્રાંત અધિકારીએ, જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનના સુચારૂ આયોજન અને તૈયારીઓ અંગે વિગતો આપી હતી. જિલ્લા કલેક્ટરએ જિલ્લાની વિવિધ વ્યાજબી ભાવની દુકાનના લાયસન્સની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર દિલિપસિંહ ગોહિલે કર્યુ હતુ. આ બેઠકમાં સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઇ કસવાળા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મયોગીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.