જિલ્લાના કુલ ૬૨૬ ગામો અસરગ્રસ્ત છે, જ્યાં કપાસ, મગફળી સહિત પાકો, શાકભાજી અને કઠોળના પાકને નુકસાન થયું છે

સોમવારે સમગ્ર જિલ્લાનો રિપોર્ટ તૈયાર થશે

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કૃષિ પાકને થયેલા વ્યાપક નુકસાનની સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાત્કાલિક સર્વે અને પંચરોજકામ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સ્થિતિમાં અમરેલી જિલ્લામાં અસરગ્રસ્ત ૬૨૬ ગામોમાં કપાસ મગફળી, સોયાબીન, ડુંગળી, શાકભાજી, કઠોળ વગેરેની ખેતીને નુકસાની થઈ છે. આ અસરગ્રસ્ત ગામો પૈકી જિલ્લાના ૪૩૦ ગામોમાં સર્વે અને પંચરોજકામની કામગીરી કરી અને અહેવાલ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી જીજ્ઞેશ કાનાણીના જણાવ્યા મુજબ સર્વે અને રોજકામની કામગીરી માટે અમરેલી જિલ્લામાં ૮૬ ટીમ દ્વારા ૪૩૦ ગામોમાં સર્વે અને પંચરોજકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીમાં ૮૬ ટીમો અને ૨૭ અધિકારીઓ, ૨૩૪ કર્મચારીઓની ટીમ નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરવા માટે કાળજીપૂર્વક કામગીરી કરી રહી છે. આમ જિલ્લાના બાકીના ગામો આજે પૂર્ણ કરવા માટે તમામ ટીમો સજ્જ છે. હાલ ટીમો સતત ગ્રામ્ય કક્ષાએ ફિલ્ડ મુલાકાત લઈને સર્વે કામગીરી કરી રહી છે. ગ્રામ્ય રિપોર્ટના આધારે તાલુકા કક્ષાએ પણ ઝડપી કાર્યવાહી શરૂ છે. ખેતીવાડી શાખા દ્વારા આ કમોસમી વરસાદ અંગે ખાસ પગલા લેવા ખેડૂતોને અનુરોધ કરેલો છે, જે માટેની માર્ગદર્શિકા પ્રસિધ્ધ કરવામાં આવી છે. તેમજ જિલ્લા કક્ષાએ અલાયદો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલો છે. જેમાં હેલ્પલાઈન નંબર ૦૨૭૯૨ ૨૨૩૩૨૪ પર ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરીને મદદ કરવામાં આવી રહી છે. સર્વેની કામગીરી ત્વરાએ સમાપ્ત થાય તે માટે ખેતીવાડી વિભાગને મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા ૩૦ કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે. આ કામગીરી અંતર્ગત સોમવારે જિલ્લાના બાકી રહેતા ગામોમાં સર્વે અને પંચરોજકામની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. કમોસમી વરસાદ બાદ સર્જાયેલી આ કપરી સ્થિતિમાં રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જગતના તાતની પડખે રહી અને બનતી ત્વરાએ મદદ કરવા માટે કટીબદ્ધ છે.