સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય કૌશિક વેકરીયા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં

નવા વાહનોને કારણે લોકોની જાહેર સુખાકારીમાં ઉમેરો થશે
અમરેલી,તા.ર૧
‘સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત’ અંતર્ગત અમરેલી સ્થિત નગરપાલિકા પ્રાંગણમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અને લોકસભા સાંસદ ભરતભાઈ સુતરિયાની ઉપસ્થિતિમાં રોડ સ્વીપર, ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વ્હીકલ સહિતના વાહનોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અને વિવિધ પદાધિકારીઓ સહિતનાઓએ ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે ૧૧ વ્હીકલ, રોડ સ્વીપર મશીન, ૨ ટ્રેક્ટર વીથ ટ્રોલી, ૨ રોબોટ જેસીબી વાહન ૧ ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. અમરેલી નગરપાલિકા ખાતે સફાઈ માટેના નવા વાહનોના લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક વેકરીયાએ જણાવ્યુ કે, રોડ સ્વીપર, ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વ્હીકલ સહિતના નવા વાહનો થકી શહેરની સ્વચ્છતા વધારવામાં મદદ મળશે, લોકોની જાહેર સુખાકારીમાં ઉમેરો થશે. રાજ્ય સરકાર દ્વારા અમરેલી નગરપાલિકાને નવા વાહનોની ફાળવણી કરવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અમરેલી નગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન (શહેરી) ૧.૦ અંતર્ગત શહેરી સ્વચ્છતામાં વધુ મદદ અર્થે રુ. ૧,૯૫,૭૦,૫૯૨ની કિંમતના વિવિધ વાહનોની ફાળવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રોડ સ્વીપર, ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વ્હીકલ સહિતના નવા વાહનોની મદદ થકી શહેરમાં સ્વચ્છતાલક્ષી વધુ સારી અને ગુણવત્તા સાથેની સેવા પૂરી પાડવામાં મદદ મળશે, લોકોની જાહેર સુખાકારીમાં પણ ઉમેરો થશે. રોડ સ્વીપર, ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વ્હીકલ સહિતના વાહનોના લોકાર્પણ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ બીપીનભાઈ લીંબાણી, ઉપપ્રમુખ બિનાબેન કાલેણા, કારોબારી ચેરમેન ધરજીયા, અગ્રણી મુકેશભાઈ સંઘાણી સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.